Activities

પૂર્વ ભૂમિકા

“ અત્તરનું પૂમડું કદમાં નાનું હોય છે. પરંતુ એની સૌરભથી આસપાસનું વાતાવરણ સુરભિત-પુલકિત થઇ ઉઠે છે. “ શ્રી મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી જ્ઞાતિ મંડળ “ આમ તો એક નાનકડું જ્ઞાતિ મંડળ જ છે, છતાં એની પ્રતિભા પેલા અત્તરના પૂમડા જેવી જ છે ! આ મંડળની પ્રવૃત્તિ અને પ્રગતિ અનેક માટે પ્રેરણા સ્ત્રોત બની રહે તેવી છે. મંડળનો પ્રારંભ ઇ.સ. ૧૯૫૪-૫૫ માં થયો, અને ઇ.સ. ૧૯૭૮ માં વિધિવત રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. સમાજ માટે સમર્પિત અને આગવી કોઠાસૂઝ ધરાવતા નિષ્ઠાવાન અગ્રણીઓએ સમાજનું નેતૃત્વ સંભાળ્યું. અનેક અવરોધો, અનેક અડચણો તથા પારાવાર મર્યાદાઓ વચ્ચે પણ તેમણે મંડળના વૃક્ષનું અમીસિંચન કર્યું. ભવિષ્યને નજર સમક્ષ રાખીને મંડળનું બંધારણ ઘડ્યું, પ્રવૃત્તિઓની રૂપરેખા કંડારી અને વિવિધ સુદ્રઢ આયોજનો દ્વારા મંડળને સમૃધ્ધ કર્યું !

પ્રારંભકાળે આજના જેવા સમર્થ અને સમૃધ્ધ સંપર્ક-માધ્યમો ન્હોંતા. ટેલિફોનની સગવડ પણ દુર્લભ હતી. એવા સમયે સમાજના તમામ સભ્યો વચ્ચે આત્મીયતા જગાડવાનું કેવું મુશ્કેલ હશે ? સમયનો કેટલો બધો ભોગ આપીને તેમજ પરિશ્રમનો કેવો ધોધ વહાવીને આપણા વડીલોએ આપણા માટે આ સેતુ રચ્યો હશે તેની માત્ર કલ્પના કરીએ તો પણ તેમના માટે આદરપૂર્વક આપણે નતમસ્તક થઇ જઇશું. સમાજ માટે સક્રિય બનનાર વ્યક્તિએ સામા પ્રવાહે તરવાનું હોય છે. અંગત સુખો છોડીને, પારિવારિક સંબંધોની માયા સંકેલીને, ગાંઠનું ગોપીચંદન ખર્ચીને આગળ વધવાનું હોય છે. જે લોકો સામાન્ય રીતે સમાજના હિત માટે કશું જ નથી કરતાં હોતા, તે લોકો સદાય વિરોધી પ્રવૃત્તિઓ દ્વારા અડચણો પેદા કરતા હોય છે. એવી છીછરી મનોવૃત્તિઓના લોકો સાથે વૈમનસ્ય રાખ્યા વગર, મોટું મન રાખીને અને સમગ્ર સમાજનું હિત વિચારીને પોતાની કર્તવ્યનિષ્ઠાને વફાદાર રહેવાનું કામ આપણે ધારીએ છીએ તેટલું સરળ નથી. હોદ્દેદારોની સામાન્ય ભૂલ પણ સમાજમાં ટીકાનો વિષય બની શકે છે. સદ્દભાગ્યે, આપણા સમાજના તમામ સભ્યો સ્નેહ અને સદ્દ ભાવથી સહકાર આપતા રહ્યા છે. શ્રી મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી જ્ઞાતિ મંડળ, અમદાવાદના સુવર્ણ જયંતી વર્ષ મહોત્સવ પ્રસંગે અતીતને યાદ કરતાં કેટલીક હકીકતો આપણા સંસ્મરણોમાં આવે છે. જ્ઞાતિના સેંકડોથી પણ વધુ કાર્યકરોએ નિ:સ્વાર્થભાવે સેવા આપતાં આજે મંડળના સુવર્ણ જયંતી મહોત્સવની સોનેરી શુભઘડી પ્રાપ્ત થઇ છે. આજથી લગભગ આઠ દાયકા પહેલા (૭૮ વર્ષ) અમદાવાદમાં આપણી જ્ઞાતિનાં પાંચથી સાત ઘર હતાં. સમયાંતરે તે સંખ્યા વધીને ૧૦-૧૨ ઘર થયેલ. જુદાં-જુદાં ગમથી આવીને અમદાવાદમાં વસેલા આપણા અલ્પ સંખ્યક જ્ઞાતિબંધુઓ સારા/માઠા પ્રસંગે એકબીજાને મદદરૂપ થઇ શકે તેવા શુભ ઉદ્દેશથી ઢીંકવા ચોકી પાસેની એક ભોજનશાળામાં ખાસ મિટીંગ યોજવામાં આવી. આ મિટીંગ મહેસાણા અને પાટણની આસપાસ વસતા આપણી જ્ઞાતિના બે ગોળ: બાવીસી તથા પાંત્રીસી પૈકીના જે સભ્યો અમદાવાદમાં વસતા હતા તેમણે દીર્ઘદ્રષ્ટિથી જ્ઞાતિનું એક મંડળ રચવાનો શુભ સંકલ્પ કર્યો.

આશરે વિ.સં. ૧૯૮૮ની સાલમાં આ સંકલ્પ કર્યા બાદ બીજી મિટીંગ રેલ્વે સ્ટેશન સામે ભાટિયાની વાડીમાં મળેલી. તે મિટીંગમાં મંડળનું શ્રી મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી જ્ઞાતિ મંડળ એવું નામ રાખવામાં આવ્યું. આ મંડળના મુખ્ય ઉદ્દેશમાં શૈક્ષણિક પ્રવૃત્તિને જ મહત્વ આપવામાં આવ્યું. આ મંડળની શરૂઆત થઇ ત્યારે બાવીસીનું પંચ અને બાવીસી-પાંત્રીસીનું પંચ એમ બંને જુદા હતાં, અમદાવાદમાં વસતા જ્ઞાતિભાઇઓ આ બંને પંચમાં વહેંચાયેલા હતા. જેથી મંડળનું નામ કોઇ એક પંચના નામ સાથે ન રાખતાં “શ્રી મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી જ્ઞાતિ મંડળ” રાખવામાં આવ્યું. આ મંડળ દ્વારા શુભ-નિખાલસ પ્રયત્નો હાથ ધરાતાં બંને પંચો ભેગા થઇ “ શ્રી સુડતાલીસ દશા શ્રીમાળી જ્ઞાતિ “ નામ રાખ્યું. બાવીસ અને પાંત્રીસનો સરવાળો સત્તાવન થાય પરંતુ તે અરસામાં છપ્પનીયો ભયંકર દુષ્કાળ ચાલતો હોઇ તેને અશુભ ગણીને દશા શ્રીમાળી જ્ઞાતિની આગળ “ શ્રી સુડતાલીસ “ શબ્દ ઉમેરી “શ્રી સુડતાલીસ દશા શ્રીમાળી જ્ઞાતિ” નામાભિધાન થયું. આમ બંને પંચોને ભેગા કરવાનો શુભ પ્રયાસ આપણા અમદાવાદના જ્ઞાતિ મંડળને આભારી છે. અલબત્ત સુડતાલીસ જ્ઞાતિ પંચનો પણ આપણા સૌના પર ઉપકાર તો છે જ.